સાબરકાઠાના વિજયનગરની પોળને બાલારામ હેરીટેજ હોટેલ અને જેસ્સોર અભ્યારણની મુલાકાત લેજો

hotel_164_a

story_s27-7-2014_Ut17_55707PM_1
અંબાજી ધામ જેસ્સોર અભ્યારણનું રીછ શામળાજીની પ્રતિમા તસ્વીર સૌન્જ્ન્ય મુંબઈ સમાચાર

સાબરકાઠા જીલ્લો એટલે કવિ સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય, ભૂતપૂર્વ કુલપતિ સ્વ.ઉમાશંકર જોશીનું મલક, બામણા ગામે એમનો જન્મ. ભોમિયા વિના મારે ભમવા રે ડુંગરા….વીર માંગડાવાળા ફેમ સ્વ.અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને લંકેશ એટલે અરવિંદ ત્રિવેદીનું વતન સાબરકાઠા. અહી ફક્ત લૂખા ડુંગરા નથી પણ નૈસર્ગિક સૌન્દર્ય પણ છલોછલ ભર્યું છે. સૌથી વધુ બ્રાહ્મણોની વસ્તી અંદાજે સાબરકાઠામાં જોવા મળશે. આમ તો સાબરકાઠાનો વિજયનગર તાલુકો આખો આદિવાસી વસ્તી ધરાવે છે.વળી હિંમતનગરની દાલબાટીનો સ્વાદ ચાખવા લોકો ક્યાં ક્યાંથી આવે છે.

પ્રકૃતિએ સાબરકાંઠાને ઉદાર બક્ષીસથી નવાજ્યું   છે. પોળોનું જંગલ જુઓ તો એ વાત સાચી ઠરતી લાગે. કોઇ શિલ્પ બનાવવામાં જેટલી કાળજી લેવાતી હોય એટલી ખૂબીથી કુદરતે નાની નાની ટેકરીઓ એકબીજાની બાજુમાં અહીં ગોઠવી છે. ખરા અર્થમાં કહીએ તો પોળોનાં જંગલ ગુજરાતનો છુપો ખજાનો ગણાય. અહીં ગાઢ જંગલની મધ્યે આવેલાં છે પોળોનાં મંદિરો. એક જ કેમ્પસમાં આવેલાં ચાર મંદિરમાંથી જૈન મંદિર હજુ ઘણાં અંશે સુરક્ષિત છે. આ તમામ મંદિરો કમસે કમ એક હજાર વર્ષ જૂનાં છે. જિલ્લાના વિજયનગર તાલુકામાં પોળોની સાવ નજીક છે સારણેશ્ર્વર નામનું શિવાલય. તેનો ઘણો ભાગ જમીનદોસ્ત થઇ ગયો હોવા છતાં આવી જિર્ણ હાલતમાં પણ એ ભવ્ય લાગે છે. અહીંથી વિરેશ્ર્વર મહાદેવ તો જવું જ રહ્યું. ગાઢ જંગલની મધ્યે, હરિયાળા ડુંગરની ગોદમાંં આવેલાં આ દેવાલયનો જિર્ણોદ્ધાર હજુ હમણાં જ થયો છે. અહીંયા પહાડોમાંથી જળધારા નિત્ય વહેતી રહે છે. વિજયનગર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં સુંદર કુદરતી દ્રશ્યો દેખાય છે અને આદિવાસી સંસ્કૃતિ પણ ખરી.

* શિવાલયો તો આપણને અનેક જગ્યાએ જોવા મળે છે પણ સાબરકાંઠાનું ખેડબ્રહ્મા ગુજરાતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. ભારતમાં બ્રહ્માજીનું મંદિર ખેડબ્રહ્મા ઉપરાંત માત્ર રાજસ્થાનના પુષ્કરમાં જ છે. કહેવાય છે કે કોપાયમાન થયેલા બ્રહ્માજીને મનાવવા અહીં ભૃગુઋષિએ તપ કર્યું હતું. બ્રહ્માજીનું મંદિર હોવાના કારણે જ ગુજરાતનાં ધર્મસ્થાનોના નકશામાં ખેડબ્રહ્માનું એક વિશિષ્ટ સ્થાન છે.

* અંબાજી !….. માઈ ભક્તોની આસ્થાનું પ્રતિક .

ગુજરાતનું સૌથી મોટું શક્તિતીર્થ. આમ જોઇએ તો એ ભારતભરનું કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ માં જગદંબા  શક્તિતીર્થ છે કારણ કે ભારતમાં આવેલી એકાવન શક્તિપીઠોમાં તેનું મહત્ત્વ સૌથી વધુ છે કેમ કે આ સ્થળે દેવીસતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. પૌરાણિક લોકવાયકા અને કથા મુજબ કહેવાય  છે કે, પિતા દક્ષ રાજાને ત્યાં યજ્ઞ યોજાયાના સમાચાર સાંભળી પતિ શંકરનો વિરોધ હોવા છતાં દક્ષ કન્યા  સતી યજ્ઞ સ્થળે પહોંચી ગયાં. પણ ત્યાં પિતા દક્ષના મોંથી પતિ શિવની નિંદા સાંભળતાં તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યાગી દીધા. ભગવાન શંકરે સતીદેવીના નિષ્પ્રાણ દેહને જોઇ તાંડવ આદર્યુ અને સતીદેવીના દેહને ખભે નાખી ત્રણેય લોકમાં ઘૂમવા લાગ્યા. આખી સૃષ્ટિનો વિનાશ થઇ જશે એવો ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડી દક્ષ કન્યા સતીના દેહના ટુકડા કરી નાખ્યા. આવા ટુકડાઓ અને સતીનાં આભૂષણો પૃથ્વી પર એકાવન જગ્યાએ પડ્યા અને આ એકાવન સ્થળો શકિતપીઠ ગણાય છે. અંબાજીનું મહત્વ વિશિષ્ટ એટલા માટે છે કે અહીં સતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. બહુ ઓછા લોકોને ખબર  હશે કે અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચૂંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે. અંબાજી મંદિરમાં તાંત્રોક્ત અને શાસ્ત્રોક્ત રીતે યંત્રની પૂજા થાય છે. કહેવાય છે કે આ યંત્ર કલ્પવૃક્ષ સમાન છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે માતાજીનું યંત્ર જોવાનો, યંત્ર સ્થાનમાં નિહાળવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. અંબાજી એક મહાતીર્થ છે. સફેદ આરસમાંથી બનેલા આ મંદિરનું સ્થાપત્ય શ્રેષ્ઠ  છે. મંદિરો કે ધર્મસ્થાનો પાછળ થતા ખર્ચાઓ પર હંમેશાં ચર્ચાઓ થતી રહી છે. પરંતુ એવી ચર્ચાઓમાં ઊતર્યા વગર માહિતીની વાત કરીએ તો આ મંદિર પર અત્યારે કુલ ૩૫૮ સુવર્ણકળશો ચમકી રહ્યા છે. ભારતભરમાં અન્ય કોઇ જ શક્તિપીઠમાં આટલા સુવર્ણકળશ નથી. રાત્રીનાં સમયે લાઇટિંગના કારણે બદલાતા રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે. અહીંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. અહીંની અખંડ જ્યોતનાં દર્શન માટે રોપવેની વ્યવસ્થા પણ છે. સમય હોય તો અંબાજીમાં વન વિભાગે બનાવેલો આ સુંદર પાર્ક એક વખત જોવા જેવો છે. માતાના ધામમાં અક્ષય કુમાર, ડીમ્પલ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા અનેક ફિલ્મ કલાકારોએ મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા છે.

* બનાસકાંઠા જિલ્લો પ્રવાસનનાં અનેક આકર્ષણોથી સભર છે. અહીં બે મહત્ત્વના અભયારણ્યો છે. બાલારામ અંબાજી અભયારણ્ય અને જેસ્સોર અભયારણ્ય. ૫૪૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં બાલારામ અંબાજી અભયારણ્યમાં મૂલ્યવાન ઔષધિય વૃક્ષો પણ છે અને રીંછ, દિપડા, ઝરખ, નિલગાય જેવાં વન્યજીવો પણ ખરા. અભયારણ્યનું આ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન્ય જીવનની સમજણ આપે છે. અભયારણ્યનું નામ જેનાં પરથી રખાયું છે, એ બાલારામ મંદિર ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. મંદિરના શિવલિંગ પર પહાડોમાંથી નીકળતાં જડ વડે નિત્ય અભિષેક થતો રહે છે. બાલારામ મહાદેવની આસપાસનું સૌંદર્ય શ્રાવણ આસપાસ જોવા જેવું હોય છે. મંદિરથી બિલકુલ સામે છે સુવિખ્યાત બાલારામ પેલેસ. ગુજરાતની શ્રેષ્ઠત્તમ હેરિટેજ હૉટેલ. અહીં રજવાડી નવાબી સ્યૂટ પણ છે. અને સુંદર કોટેજની વ્યવસ્થા પણ ખરી. બાલારામ પેલેસ ઉત્તમ રીતે જળવાયેલી આકર્ષક પ્રોપર્ટી છે. આ સ્થળે બીગ બી અને સ્વ.કન્નડ અભિનેત્રી સૌન્દર્યા જેની એકમાત્ર હિન્દી ફિલ્મ “સૂર્યવંશમ “ફિલ્મનું શૂટ અહી કરવામાં આવ્યું હતું. મહાનાયક અમિતાભ બચ્ચન અહી મુલાકાત લઇ ચુક્યા છે. આ મિલકત અગાઉ પાલનપુરનાં નવાબની માલિકીની હતી.

બાલારામથી લગભગ ચાલીસેક મિનિટના અંતર પર છે જેસ્સોર વન્ય પ્રાણી અભયારણ્ય. પણ અહીં સુધી પહોંચતા રસ્તામાં આદિવાસી સંસ્કૃતિથી ધબકતાં અનેક ગામડાંઓમાં જવાનું બને છે. ઇકબાલગઢ નામનું નાનકડું ગામ આદિવાસીઓ માટે ખરીદીનું મથક છે. અહીં તેમના ભાતીગળ ઘરેણાંઓથી લઇ દરેક પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ અનેક અલગઅલગ કોમની આદિવાસી સ્ત્રીઓને તમે અહીં હોંશભેર ખરીદી કરતી જોઇ શકો. ઇકબાલગઢને જેસ્સોર અભયારણ્યનું પ્રવેશદ્વાર પણ ગણી શકાય. ૧૮૦ કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યને અપ્રતિમ સુંદરતા મળેલી છે. ચોતરફ પહાડો અને વચ્ચે આ જળરાશી. પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં કલરવ કરતા બાળકો. જેસ્સોર ઇકો ટુરિઝમ માટેની ઉત્તમ સાઇટ છે. રોકાવા માટે અહીં વન વિભાગે અનેક વિકલ્પો રાખ્યાં છે. પ્રકૃતિ શિક્ષણ માટેની કેમ્પ સાઇટ છે અને પહાડોના ખોળામાં આવા કોટેજ પણ છે. જેસ્સોરની મજા એ છે કે વન પરિભ્રમણ માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે. આ બધી વન કેડીઓ માટે તમે ગાઢ અને વણખેડાયેલા જંગલનો આનંદ ઉઠાવી શકો છો. જેસ્સોરમાં ડુંગર પર આવેલા કેદારનાથ મંદિરનું આ વિસ્તારમાં ભારે મહત્ત્વ છે. લગભગ સાતસો પગથિયા ચડ્યાં પછી અહીં પહોંચી શકાય છે. અહીંની સુંદરતા દંગ કરી નાખે એવી છે. જેસ્સોર અભયારણ્ય એકદમ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s